US-China Trade Relations War: ટેરિફને લઈને અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો અત્યંત તણાવપૂર્ણ બન્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી અમેરિકામાં આયાત થતા માલ પર ટેરિફ વધારીને 145 ટકા કર્યો છે. આ 145 ટકા ટેરિફમાં ફેન્ટાનિલ સપ્લાય માટે ચીન પર લાદવામાં આવેલ વધારાનો 20 ટકા ટેરિફ પણ શામેલ છે.
ચીને આ અંગે કડક પ્રતિક્રિયા
અહેવાલો અનુસાર, વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કે, ચીન પર કુલ ટેરિફ 145 ટકા છે. ફેન્ટાનાઈલ દાણચોરીમાં ચીનની કથિત ભૂમિકાને કારણે તેના પર વધારાનો 20 ટકા ટેરિફ પણ લાદવામાં આવ્યો છે. ચીને આ અંગે કડક પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, ‘અમારા દરવાજા વાતચીત માટે ખુલ્લા છે, પરંતુ અમે દબાણ અને ધમકીઓથી ડરવાના નથી.’
ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (નવમી એપ્રિલ) અમેરિકામાં પ્રવેશતા ચીની ઉત્પાદનો પર 125 ટકા ટેરિફની જાહેરાત કરી હતી, પરંતુ વ્હાઇટ હાઉસે પાછળથી પુષ્ટિ કરી હતી કે ચીન પર ટેરિફ વધીને 145 ટકા થઈ ગયો છે, સાથે જ ફેન્ટાનિલ પર ચીન પર પહેલાથી જ 20 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.
ફેન્ટાનાઈલ શું છે?
ઉલ્લેખનીય છે કે, ફેન્ટાનિલ એક સિન્થેટિક ડ્રગ્સ છે, જેનો ઉપયોગ પીડા નિવારક અને એનેસ્થેટિક તરીકે થાય છે. મતલબ, આ એક એવું રસાયણ છે જે મગજના ચોક્કસ ભાગ પર કામ કરીને પીડાને નિયંત્રિત કરે છે. ફેન્ટાનિલ એક કૃત્રિમ દવા છે કારણ કે તે પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે. તે મોર્ફિન કરતાં 100 ગણું વધુ મજબૂત અને હેરોઈન જેવા ખતરનાક ડ્રગ્સ કરતાં 50 ગણું વધુ શક્તિશાળી છે. આનાથી ખ્યાલ આવી શકે છે કે ફેન્ટાનિલ કેટલું ખતરનાક છે.



