Home » ગુજરાત » માસ્ટર સ્ટ્રોક : ચીનને એકલું પાડી મોટાભાગનો બિઝનેસ આંચકી લેવા ટ્રમ્પે ટેરિફ વૉર છંછેડ્યો! |

માસ્ટર સ્ટ્રોક : ચીનને એકલું પાડી મોટાભાગનો બિઝનેસ આંચકી લેવા ટ્રમ્પે ટેરિફ વૉર છંછેડ્યો! |

 

US and China Trade War News : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એક તરફ ભારત સહિતના દેશોના માલ પર લાદવામાં આવેલા ટેરિફનો અમલ 90 દિવસ માટે મુલતવી રાખ્યો તો બીજી તરફ ચીનના માલ પરનો ટેરિફ વધારીને ૧૨૫ ટકા કરી દીધો. આર્થિક નિષ્ણાતોના મતે, ટ્રમ્પે વૈશ્વિક બજારમાં ચીનને એકલું પાડી દેવાનો અને ચીનનો મોટા ભાગનો બિઝનેસ અમેરિકા પાસે આવી જાય એવો માસ્ટરસ્ટ્રોક ફટકાર્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો ગેમ પ્લાન ચીન માટે અમેરિકાના દરવાજા બંધ કરીને બીજા દેશોને ફાયદો કરાવીને પોતાની તરફ વાળવાનો છે. ટ્રમ્પે લાદેલા તોતિંગ ટેરિફના કારણે ચીનનો માલ કોઈ લેશે નહીં ને ગ્રાહકો ટેરિફ વિનાના બીજા દેશોના માલની ખરીદી તરફ વળી જશે તેથી ત્રણ મહિનામાં તો ચીનનો કસ્ટમર બેઝ સાવ ખતમ થઈ જશે.

આ માસ્ટરસ્ટ્રોકના કારણે વિશ્વમાં ચીનની સાથે કોણ છે અને અમેરિકાની સાથે કોણ છે તેની પણ ખબર પડી જશે તેથી ભવિષ્યમાં અમેરિકાએ કોની સાથે આર્થિક સંબંધો મજબૂત કરવા તેની વ્યૂહરચના પણ તૈયાર કરી શકાશે. ડોનાલ્ડ ટ્રમ્પનો ગેમપ્લાન સફળ થશે તો ચીનના અર્થતંત્રના ભુક્કા બોલી જશે જ્યારે ભારત, વિયેતનામ, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા સહિતનાં ઉભરી રહેલાં અર્થતંત્રોને ફાયદો થશે. ટ્રમ્પની ગણતરી બહુ સરળ છે. ટ્રમ્પે આપેલી 90 દિવસની મુદત દરમિયાન ચીનના માલ પર અમેરિકામાં તોતિંગ ટેરિફ હશે તેથી તેનો માલ કોઈ લેશે નહીં. આ તકનો લાભ લઈને ભારત સહિતના દેશોને અમેરિકાના બજારમાં પોતાનો માલ ખપાવીને પગપેસારો કરવાની તક મળી જશે અને અમેરિકામાં ભારત સહિતના દેશોની નિકાસ વધી જશે.

ટ્રમ્પે આપેલી 90 દિવસની મુદત પછી તમામ દેશો અમેરિકામાં પોતાની વધેલી નિકાસ ચાલુ રહે એ માટે અમેરિકા કહે એ શરતે તેની સાથે બિઝનેસ કરવા માટે તૈયાર હશે. ટ્રમ્પ બિઝનેસમેન છે તેથી બંને દેશો ફાયદામાં રહે એવી શરતે બિઝનેસ કરવા તૈયાર થઈ જશે તેથી બીજા કોઈને નુકસાન નહીં થાય પણ ચીન પતી જશે. હવે જેમને ચીન સાથે રહેવામાં ફાયદો લાગતો હશે એ દેશોને ટ્રમ્પ બાજુ પર મૂકીને તેમના માલ પર પણ ચીનની જેમ ટ્રમ્પ તોતિંગ ટેરિફ લાદી દેશે. અમેરિકાના સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ક્લિયર કર્યુ છે કે ગ્લોબલ ટ્રેડ ટેરિફનો આ મુદ્દો બેડ એક્ટર સાથે જોડાયેલા છે.

ચીન પર નિશાન સાધતા અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે આવા દેશ ગ્લોબલ  ઇકોનોમીમાં પોતાના પ્રદાનથી અસંતુલન પેદા કરી રહ્યા છે. તેના લીધે ટ્રમ્પે તેના પર 125 ટકા ટેરિફ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ચીનના પડોશી દેશો સાથે વાટાઘાટ ચાલી રહી છે, જેમા ભારત પણ સામેલ છે.

તેણે જણાવ્યું હતું કે આ કંઈ ટ્રેડ વોર નથી. આ ફક્ત એવા દેશો માટેની વાત છે જે ગ્લોબલ ઇકોનોમીનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભારત, જાપાન, દક્ષિણ કોરીયા વાટાઘાટમાં આગળ છે. હજી વિયેતનામની સાથે પણ મંત્રણા થઈ રહી છે.

ટ્રમ્પે ભારત માટે મોટી તક ઉભી કરી

આર્થિક નિષ્ણાતોના મતે, ટ્રમ્પે ચીન સિવાયના દેશો પર ટેરિફનો અમલ 90 દિવસ માટે મોકૂફ રાખ્યો તેના કારણે ભારત માટે મોટી તક આવી ગઈ છે. ચીને 2024 માં અમેરિકામાં કુલ 440 અબજ ડોલરના માલની નિકાસ કરી હતી. ભારત ચીનની અમેરિકામાં નિકાસમાંથી 10 ટકા હિસ્સો પણ કબજે કરે તો 44 અબજ ડોલર થાય.

ચીનની અમેરિકામાં નિકાસમાં સૌથી મોટો હિસ્સો સ્માર્ટફોનનો 9 ટકા અને લેપટોપ્સનો 7 ટકા હતો. ભારત આ બંને પ્રોડક્ટસની મોટા પાયે અમેરિકામાં નિકાસ કરી શકે છે એન જોતાં ભારત માટે અમેરિકામાં નિકાસ વધારવી શક્ય છે. ભારતની 2024માં ચીનમાં કુલ નિકાસ 16.67 અબજ ડોલર હતી. ચીન ભારતનો માલ લેવાનું બિલકુલ બંધ કરી દે તો પણ ભારતને તકલીફ ના પડે.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments