Home » રાષ્ટ્રીય » Iran Trusts PM Modi & BRICS; War Postpones Indias Quad Summit

Iran Trusts PM Modi & BRICS; War Postpones Indias Quad Summit

ગયા અઠવાડિયે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાંએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો. તેમણે કહ્યું કે BRICS (બ્રિક્સ) સંગઠને ઈરાન પર થઈ રહેલા હુમલાઓને રોકવામાં ભૂમિકા ભજવવી જોઈએ. બ્રિક્સે કોઈ પણ પ્રકારના દબાણ વગર કામ કરવું જોઈએ. ઈરાનને હવે આંતરરાષ્ટ્રીય સંગઠનો પ

.

નમસ્કાર,

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે વર્ષ 2020માં પોતાની પુસ્તક ‘ધ ઇન્ડિયા વે: સ્ટ્રૅટજીઝ ફૉર એન અનસર્ટેન વર્લ્ડ’માં લખ્યું હતું, “આ સમય છે જ્યારે આપણે અમેરિકા સાથે જોડાવું છે, ચીનને સંભાળવું છે, યુરોપ સાથે સંબંધો વધારવા છે, રશિયાને આશ્વસ્ત કરવું છે, જાપાનને સાથે લાવવું છે, પાડોશનો વિસ્તાર કરવો છે અને પરંપરાગત સહયોગીઓ સાથે સંબંધોનો વિસ્તાર કરવો છે.” બધા દેશો સાથે બેલેન્સ કરીને ચાલવાની ભારતની નીતિના કારણે ભારત ‘વિશ્વગુરૂ’ તરીકે ઊભરી રહ્યું છે. આ વાત બીજા દેશો પણ સ્વિકારે છે.

ભારતે બધેથી સંતુલન કરીને ચાલવાનું છે

ભારત માટે પડકાર એ છે કે બહુધ્રુવીય વિશ્વનો વિચાર તૂટી રહ્યો છે. ભારત એક સાથે બે મહત્વના અને મોટા ગ્રુપમાં છે — તે જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સાથે ‘ક્વાડ’નો ભાગ છે, જે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકાના નેતૃત્વ હેઠળ કાર્યરત છે. સાથે જ તે ચીન-રશિયાના નેતૃત્વવાળા ‘શંઘાઈ સહયોગ સંગઠન’ (SCO)નું પણ સભ્ય છે, જે ઘણીવાર અમેરિકાનાં હિતો સામે ટકરાય છે. ભારત રશિયા પાસેથી સસ્તું ઓઇલ ખરીદે છે અને સાથે જ અમેરિકી રોકાણ અને ટેક્નોલોજીને આકર્ષિત કરે છે. ત્રીજું મોટું સંગઠન બ્રિક્સ તો છે જ.

ઓગસ્ટ 2025માં ભારતે ચીનના તિયાનજિનમાં યોજાનાર SCO સમ્મેલનમાં ભાગ લીધો હતો. પીએમ મોદી તેના માટે ચીન પહોંચ્યા હતા. એ વખતે કોઈ માનવા તૈયાર નહોતું કે ભારતના વડાપ્રધાન ચીન જશે. આ ઉપરાંત ભારત I2U2-આઈટુયુટુ (ભારત, ઇઝરાયલ, UAE અને અમેરિકા) સંગઠનમાં પણ છે, જે ટેક્નોલોજી, ફૂડ સિક્યોરિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરે છે. ફ્રાંસ અને UAE સાથે ભારતની ત્રિકોણીય પહેલ પણ છે.

ભારત બધા સાથે સંતુલન કરી શકે છે, તેના મૂળમાં કારણ આ છે…

પોર્ટુગલના રાજદૂત રહી ચૂકેલા જીતેન્દ્રનાથ મિશ્રા કહે છે, ભારત કદાચ કોઈ મહાશક્તિ સાથે સંપૂર્ણપણે ઊભા રહેવાનો આત્મવિશ્વાસ નથી રાખતું. એક પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ હોવાને કારણે ઈતિહાસની અન્ય મહાશક્તિઓ જેવો માર્ગ અપનાવવાનું પસંદ કરે છે. એટલે પોતાની શરતો પર શક્તિશાળી બનવું.

હમણાં નાગપુરમાં સંઘના વડા મોહન ભાગવતે પણ આ જ વાત કરી હતી. મોહન ભાગવતે કહ્યું હતું કે, આ સનાતન ધર્મને, વિશ્વધર્મને, બંધુભાવને, માનવતાને જેને હિન્દુ ધર્મ પણ કહે છે. આપણા દેશના દરેક પંથ, સંપ્રદાયોએ આ જ વાત કરી છે. ભારતનું પ્રાચીન જ્ઞાન આપણને શીખવે છે કે બધા એકબીજા સાથે જોડાયેલા છે અને એક છે.. ધર્મ ફક્ત શાસ્ત્રો પૂરતો સીમિત ન રહેવો જોઈએ, પરંતુ લોકોના વ્યવહારમાં પણ દેખાવો જોઈએ.ડગમગી ગયેલી દુનિયાને ફરી ધર્મનો આધાર આપીને તેનું સંતુલન કરવું એ જ આપણું કામ છે. આ બધું દુનિયાના ચિંતકોના ધ્યાનમાં છે. એટલે અત્યારે ચાલી રહેલા યુદ્ધમાં વારંવાર બીજા દેશો કહી રહ્યા છે કે, આ યુદ્ધ તો ભારત જ પૂરું કરાવી શકે તેમ છે. કેમ? કારણ કે ભારતની આ પ્રવૃતિનું જ્ઞાન તેમને છે. આપણા ધર્માચરણ પાછળ શક્તિનું નિર્માણ થઈ રહ્યું છે.

UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને એવું કહ્યું હતું કે, મોદી માત્ર ફોન કરીને યુદ્ધ રોકાવી શકે તેમ છે.

UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને એવું કહ્યું હતું કે, મોદી માત્ર ફોન કરીને યુદ્ધ રોકાવી શકે તેમ છે.

ભારત કોની સાથે સંબંધો રાખશે, અમેરિકા સાથે કે ચીન સાથે?

અમેરિકા, ચીન, રશિયા આ ત્રણેય દેશ તાકાતવર છે. ભારતે ત્રણેય સાથે સંબંધ રાખવા પડે. અમેરિકાના ખોળામાં બેસે તો રશિયા રૂઠી જાય ને રશિયાને ટેકો આપે તો અમેરિકા સંબંધો કાપી નાખે. ચીન તો પહેલેથી દુશ્મન છે જ. પણ ભારત હવે સમજી ગયું છે કે ચીન સાથે નિકટતા વધારવી જરૂરી છે. કારણ કે અમેરિકા ક્યારેય કોઈનું થયું નથી. મોદી SCO સમિટમાં ગયા પછી ભારત-ચીન વચ્ચે ઉષ્મા દેખાઈ.

પોલિટિકલ એક્સપર્ટ હેપીમોન જેકબના મતે, આગામી ઘણા દાયકાઓ સુધી ચીનને સંભાળવું ભારત માટે રણનીતિક પડકાર રહેશે. SCOમાં મોદી ગયા હતા તે અમેરિકી નીતિઓના જવાબમાં નવા ગઠબંધનો સંકેત આપે છે. સાથે એક વાત એ પણ છે કે, જો ભારત-ચીન સંબંધો સારા નહીં થાય તો ચીન ટ્રમ્પ સાથે ભારતની નારાજગીનો જિયોપોલિટિકલ લાભ નહીં લઈ શકે. ભારતની હાલની વ્યૂહરચના એ છે કે ચીન સાથે કામચલાઉ સંબંધો જાળવી રાખે, છતાં અમેરિકાની નારાજગી ન વહોરે.

અમેરિકાના દબાણ સામે ભારતે રશિયા સાથે બાંધછોડ કેમ કરી?

મોદી અને પુતિન બહુ સારા મિત્રો છે. ભારત-રશિયાના સંબંધો આજકાલના નહિ, વર્ષોથી મજબૂત છે. પણ ટ્રમ્પે ભારતનું નાક દબાવ્યું કે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરો નહીંતર ટેરિફ વધારીશું. ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદી ઓછી કરી. એ પછી વિદેશમંત્રી જયશંકરની રશિયા જઈ આવ્યા. તેમની યાત્રાએ સ્પષ્ટ કર્યું કે ભારત આ સંબંધો મજબૂત રાખવા ઇચ્છે છે. રશિયા ભારત માટે એનર્જીની લાઇફલાઇન છે અને વિદેશ નીતિની સ્વાયત્તતાનો સંકેત પણ. ભારત રશિયા સાથે સંબંધો મજબૂત રાખે છે કારણ કે તેને ડર છે કે રશિયા ચીન તરફ વધુ ન ખસી જાય.

રશિયા ચીન તરફ સરકી ન જાય એટલે ભારત રશિયા સાથે પણ સંબંધો મજબૂત રાખે છે. મોદીની આ ડિપ્લોમસી છે.

રશિયા ચીન તરફ સરકી ન જાય એટલે ભારત રશિયા સાથે પણ સંબંધો મજબૂત રાખે છે. મોદીની આ ડિપ્લોમસી છે.

ભારત માટે હરિફાઈ ચાલુ જ રહેવાની છે

ચીન અને અમેરિકા માટે ભારતનાં પૂર્વ રાજદૂત રહી ચૂકેલાં નિરુપમા રાવ કહે છે, “ભારત એટલું મોટું અને મહત્ત્વાકાંક્ષી છે કે તે કોઈ એક મહાશક્તિ સાથે બંધાઈ શકતું નથી. તેની પરંપરા અને હિતો લચીલાપણું માંગે છે. દુનિયા હવે બે જૂથમાં નથી વહેંચાઈ રહી, પણ વધુ જટિલ રીતે વહેંચાઈ રહી છે. આવા સમયમાં વ્યૂહાત્મક અસ્પષ્ટતા નબળાઈ નથી પણ સ્વાયત્તતા છે. સાચી વાત એ છે કે ભારત પાસે મર્યાદિત વિકલ્પો છે. ચીન સાથે સમાધાનની કોઈ શક્યતા નથી, સ્પર્ધા ચાલુ રહેશે. રશિયા પર ‘થોડી હદ સુધી’ ભરોસો રાખી શકાય છે. ભલે ટ્રમ્પ હજુ ત્રણ વર્ષ સત્તામાં રહે, પરંતુ અમેરિકા અને ભારતનો સંબંધ ટકી રહેશે એ પણ નક્કી છે.

ફ્રાન્સમાં ભારતના રાજદૂત રહેલા જાવેદ અશરફને મીડિયાએ સવાલ પૂછ્યો કે શું ખરેખર મોદી સરકારની મલ્ટિ-એલાઇનમેન્ટની નીતિ નિષ્ફળ થઈ રહી છે? ત્યારે તેમણે કહ્યું કે, “હું એવું નથી માનતો. નરેન્દ્ર મોદી SCO સમિટમાં જાય તો તેનો અર્થ એવો નથી કે તેમનો આ પ્રવાસ અમેરિકાની વિરુદ્ધ છે. ટ્રમ્પ આવ્યા એ પહેલાંથી જ ચીન સાથેના સંબંધોમાં સુધારાના પ્રયત્નો શરૂ થઈ ગયા હતા. અમેરિકા સાથે પણ વેપારના સ્તરે સંબંધો ખરાબ છે, અન્ય સંબંધો તો જેમના તેમ જ છે.

ભારત અને અમેરિકા વચ્ચે કોઈ સમાધાન ન થવાનું કારણ એ પણ છે કે ભારતે પોતાનાં હિતો સાથે સમાધાન નથી કર્યું. એટલે કે ભારત અમેરિકા સાથે વ્યૂહરચનાત્મક સ્વાયત્તતા સાથે જ વાત કરી રહ્યું છે. ચીન અને રશિયા વધુ શક્તિશાળી છે, તેથી તેઓ અમેરિકાને એની જ ભાષામાં જવાબ આપી રહ્યા છે. જો આપણી પાસે પણ એવી તાકત હોત તો આપણે પણ જવાબ આપ્યો હોત. ફરક માત્ર આટલો જ છે.

2026માં ભારત બ્રિક્સ અને ક્વાડનું યજમાન, હવે શું થશે?

2026માં ભારતના આંગણે બે મોટી ઈવેન્ટ થવાની છે. એક, બ્રિક્સ સમિટ અને બીજી ક્વાડ દેશોની મિટિંગ. બ્રિક્સ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થઈ શકે. ક્વાડ સમિટ આમ તો નજીકમાં થવાની હતી પણ યુદ્ધની સ્થિતિના કારણે ક્યારે, ક્યાં થશે તે નક્કી નથી. ક્વાડ સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના છે. જોકે ન્યૂયોર્ક ટાઈમ્સે એવો રિપોર્ટ છાપી દીધો કે ભારતમાં ક્વાડ દેશોની મિટિંગ થશે પણ તેમાં ટ્રમ્પ હાજર નહિ રહે. અલબત્ત, ટ્રમ્પ ભારત આવશે કે કેમ, તેની સ્પષ્તા ભારત સરકારે કે વ્હાઈટ હાઉસે નથી કરી.

હવે જાણો ક્વાડ દેશો વિશે…

  • દુનિયાની નીતિ નક્કી કરવા બહુ મહત્વનું સંગઠન છે.
  • આ સંગઠનમાં એવા દેશો છે જેમાં દુનિયાની 24% વસ્તી આવી જાય.
  • વિશ્વની કુલ GDPના 35% GDP આ મેમ્બર દેશોની છે
  • ક્વાડ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ઈન્ડિયા, જાપાન અને અમેરિકા છે.
  • ક્વાડ્રિલેટ્રલ સિક્યોરિટી ડાયલોગ. આ ક્વાડનું આખું નામ છે.
  • આ દેશો ઈન્ટલિજન્સ, ટેકનોલોજી, નેશનલ સિક્યોરિટી, સાયબર સિક્યોરિટી, કાઉન્ટર ટેરરિઝમ જેવા મુદ્દે નીતિઓ ઘડે છે.

ભારત દરેક સંગઠનોમાં મજબૂત છે

  • G-20 (અમેરિકા યજમાન. 14-15 ડિસેમ્બર)
  • BRICS (ભારત યજમાન. ઓગસ્ટ-સપ્ટેમ્બર)
  • QUAD (ભારત યજમાન, યુદ્ધની સ્થિતિ મુજબ થશે)
  • SCO (કિર્ગીસ્તાન યજમાન, ઓગસ્ટ-2026)
  • ASIAN (જાન્યુઆરી, 2026માં ફિલિપિન્સમાં થઈ)
  • SAARC (યજમાન નક્કી નથી. ઓક્ટોબરમાં થાય)

મોદીની વિદેશ નીતિ બીજા લિડર્સથી અલગ કેમ છે?

મોદીની વિદેશ નીતિ બીજાથી અલગ છે. આ નીતિને ‘મોદી ડોક્ટ્રીન’ કહે છે. ડોક્ટ્રીન એટલે સિદ્ધાંત. મોદીનો સિદ્ધાંત એવો છે કે બે દેશ દુશ્મન હોય તો પણ બંને સાથે સારા સંબંધો રાખવાના. જેમ કે ઈરાન અને ઈઝરાયલ. ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે અને રશિયાના કટ્ટર દુશ્મન યુક્રેનને ડીઝલ વેચે પણ છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન મોદી સાથે કારમાં 45 મિનિટ બેસીને વાતચીત કરે છે. મોદી ચીન ગયા તે પહેલાં ઝેલેન્સકીએ મોદીને ફોન કરીને કહ્યુ કે, અમારું ધ્યાન રાખજો. શાંતિ થાય તેવું કરજો.

બે દુશ્મન દેશ સાથે મોદીને સારા સંબંધો, જુઓ બે તસવીર…

ફેબ્રુઆરી-2026માં વડાપ્રધાન મોદી ઈઝરાયલ ગયા હતા અને ત્યાંના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂને મળીને 17 જેટલા કરાર કર્યા હતા.

ફેબ્રુઆરી-2026માં વડાપ્રધાન મોદી ઈઝરાયલ ગયા હતા અને ત્યાંના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂને મળીને 17 જેટલા કરાર કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે, 2016માં તહેરાન ખાતે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીને મળ્યા હતા. એ પછી પણ મોદીએ ઈરાન સાથે સંબંધો જાળવી રાખ્યા છે. એટલે જ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના જહાજો પસાર થવા દીધા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે, 2016માં તહેરાન ખાતે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીને મળ્યા હતા. એ પછી પણ મોદીએ ઈરાન સાથે સંબંધો જાળવી રાખ્યા છે. એટલે જ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના જહાજો પસાર થવા દીધા છે.

ચીન અને જાપાન વચ્ચે દુશ્મનવાટ છે. તે જાપાન જઈને મોદી ઈન્વેસ્ટમેન્ટ લઈને આવે છે. ચીન જતાં પહેલાં જાપાન જાચ છે, આ બંને દેશો કટ્ટર દુશ્મન છે. મોદીની આ નીતિના કારણે ભારતમાં વિદેશી રોકાણ વધ્યું છે. 2014-15માં ભારતમાં વિદેશી રોકાણ 3 લાખ કરોડ હતું. તે 2024-25માં વધીને 7 લાખ કરોડ થયું છે. મોદી ડોક્ટ્રીન એ છે કે દરેક સાથે સંબંધો રાખો પણ દબાણમાં નહિ આવવાનું.

એક સમય એવો હતો કે દુનિયામાં અમેરિકા, ચીન અને રશિયાનો જ દબદબો હતો. પણ વડાપ્રધાન મોદીએ ધીમે ધીમે ગ્લોબલ સાઉથને પાવરફૂલ બનાવ્યું. ભારત હવે ગ્લોબલ સાઉથનો અવાજ બની ગયો છે. વડાપ્રધાન મોદીની લીડરશિપમાં દુનિયાના વિકાસશીલ દેશ એક મંચ આવી રહ્યા છે અને ભારત બ્રિક્સ મારફત નવો વર્લ્ડ ઓર્ડર બનાવે છે. ભારત, રશિયા અને ચીન એક થઈ રહ્યા છે. બ્રિક્સના દેશો એકજૂટ થઈ રહ્યા છે જેથી તે અમેરિકા અને યુરોપના દેશોને ટક્કર આપી શકે.

સિવિલાઈઝેશન ડિપ્લોમસી એટલે વિદેશ નીતિમાં ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનો ઉપયોગ કરવો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ. ગલ્ફ દેશોમાં મંદિરોનું નિર્માણ થયું. દુનિયાભરમાં ‘વિશ્વગુરૂ’વાળી ઈમેજનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. કોરોના વખતે દુનિયાભરના દેશોમાં વેક્સિન પહોંચાડનારો દેશ ભારત જ હતો.

ભારત-ઈઝરાયલના સંબંધો ભાજપ સરકારમાં મજબૂત બન્યા

ભારત અને ઈઝરાયલના રાજદ્વારી સંબંધનો ઈતિહાસ બહુ લાંબો નથી. ઈઝરાયલની રચના બાદ ભારતે તેને એક સ્વતંત્ર દેશ તરીકે સ્વીકૃતિ આપી નહોતી. ભારત ઈઝરાયલની રચનાની વિરુદ્ધમાં હતું. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ભારતના સમર્થન માટે વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઈનસ્ટાઈને જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો હતો, પરંતુ નહેરુએ આઇન્સ્ટાઇનના પત્રને પણ નકાર્યો હતો. આખરે 1950ની 17 નવેમ્બરે નહેરુએ ઇઝરાયલને સ્વીકૃતિ આપી હતી. ભારતે આંતરિક અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે ઇઝરાયલ સાથે અંતર જાળવી રાખ્યું હતું. ભારતે ઈઝરાયલ સાથે અંતર રાખ્યું, તેનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં મુસ્લિમોની વસ્તી વધારે છે. 1991માં અખાતી યુદ્ધ પછી પરિસ્થિતિ બદલાઈ અને ઇઝરાયલ મિડલ ઈસ્ટમાં શક્તિશાળી દેશ તરીકે ઉભર્યું.

2003માં ભારતના પ્રવાસે આવેલા ઈઝરાયલના તત્કાલીન પ્રધાનમંત્રી એરિયલ શેરોન અને અટલ બિહારી વાજપેયી.

2003માં ભારતના પ્રવાસે આવેલા ઈઝરાયલના તત્કાલીન પ્રધાનમંત્રી એરિયલ શેરોન અને અટલ બિહારી વાજપેયી.

ભારતના ઈઝરાયલ સાથે સંબંધો વાજપેયીની ભાજપ સરકાર પહેલીવાર સત્તામાં આવી, ત્યારથી મજબૂત બન્યા. આજની તારીખે રશિયા પછી ઇઝરાયલ ભારત માટે સૌથી વધુ શસ્ત્રો પૂરાં પાડતો દેશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ-2017માં ઇઝરાયલની મુલાકાતે ગયા હતા અને તે કોઈ ભારતીય વડાપ્રધાનની પહેલી ઇઝરાયલ મુલાકાત હતી.

તે પહેલાં સુધી ભારતનો કોઈ ટોપ લીડર ઇઝરાયલ જાય તો પેલેસ્ટાઈન જરૂર જતો હતો, પરંતુ નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇન ગયા નહોતા અને મુલાકાત દરમિયાન પેલેસ્ટાઇનનું નામ સુદ્ધાં લીધું નહોતું. હમાસે 2023માં ઇઝરાયલમાં ઘૂસીને હુમલો કર્યો ત્યારે નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ રીતે કહ્યુ હતું કે ભારત આ આતંકવાદી હુમલા વિરુદ્ધ ઇઝરાયલની પડખે છે.

મોદી પર ઈઝરાયલ યાત્રાનું કલંક, છતાં ઈરાનને મોદી પર ભરોસો

જ્યારે મોદી 25-26 ફેબ્રુઆરીએ ઈઝરાયલ ગયા હતા ત્યારે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ વડાપ્રધાન મોદીને આગ્રહ કર્યો હતો કે તેઓ ઈઝરાયલ યાત્રા દરમિયાન પેલેસ્ટાઇનના અધિકારોનો મુદ્દો ઉઠાવે. જોકે, વડાપ્રધાન મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો નહોતો. અરાઘચીએ ત્યારે પણ ભારતને પોતાનું મિત્ર પણ ગણાવ્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે વડાપ્રધાન મોદીની ઇઝરાયલ યાત્રા પછી તરત ઈરાન પર હુમલા થયા તેનાથી ભારત માટે મુશ્કેલી વધી ગઈ છે. દુનિયામાં આ જ ચર્ચા થઈ રહી છે કે મોદી ઈઝરાયલ ગયા ને તરત હુમલા થયા. પણ ઈરાન આ વાત માનવા તૈયાર નથી. ઈરાનને આજેપણ મોદી પર ભરોસો છે.

આ વર્ષે ભારત બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે. ઈરાન પણ 2024માં આ સંગઠનમાં સામેલ થયું હતું. ગયા વર્ષે બ્રિક્સે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાની ટીકા કરી હતી. ઈરાન પર થયેલા હુમલાએ બ્રિક્સના ભવિષ્ય સામે પણ સવાલ પેદા કર્યા છે. ભારતની સ્થિતિ ઘણા અંશે ખતરામાં છે. ભારત બ્રિક્સની અધ્યક્ષતા કરે છે. ઈરાન અને રશિયા પણ બ્રિક્સમાં સામેલ છે. આમ તો આ એક યુદ્ધ છે, વાસ્તવમાં આ સત્તા પરિવર્તનનું એક અભિયાન છે.

ઈરાને મોદીને વિનંતી કરી છે કે, બ્રિક્સ દેશો સાથે સંવાદ કરીને યુદ્ધ ખતમ કરવા પ્રયાસ કરો.

ઈરાને મોદીને વિનંતી કરી છે કે, બ્રિક્સ દેશો સાથે સંવાદ કરીને યુદ્ધ ખતમ કરવા પ્રયાસ કરો.

‘મોદી ડોક્ટ્રીન’ અગ્નિ પરીક્ષા, ભારત હવે શું કરશે?

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો બંધ કરી દીધો એટલે ભારતમાં ગેસ અને ઓઈલની કટોકટી સર્જાવાની ભીતિ છે. અલબત્ત, મોદીએ બે વખત ઈરાનના રાષ્ટ્રપતિ પઝશકિયાં સાથે વાત કરી છે અને ઈરાનની નેવીએ પાંચ ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો પાર કરાવી દીધો છે. હજી પણ 20 જેટલા જહાજ ફસાયેલા છે. ભારતના નિકાસકારોનો માલ અટવાઈ પડ્યો છે. મોદીએ આગ્રહ કર્યો કે, હોર્મુઝ સ્ટ્રેટ ખોલી દેવામાં આવે તો ઈરાને પણ મોદી પાસેથી અપેક્ષા રાખી કે તમે બ્રિક્સ દેશો સાથે વાત કરીને યુદ્ધ ખતમ કરાવો. મોદી માટે મુશ્કેલી એ છે કે જો તે ઈરાનનો સાથ લઈને તરફેણ કરે તો ઈઝરાયલ અને અમેરિકા સાથે સંબંધો બગડે. ઈરાનની મદદ ન કરે તો ભારતમાં ઓઈલ અને ગેસ અટકી પડે. અત્યારે ‘મોદી ડોક્ટ્રીન’ની અગ્નિ પરીક્ષા છે.

સવાલ એ છે કે ભારત અત્યારે કોનો પક્ષ લેશે?તો જવાબ એ છે કે ભારત અત્યારે યુદ્ધમાં મધ્યસ્થી નહીં કરી શકે. ભારત હાલમાં એવી સ્થિતિમાં નથી. ભારત અત્યારે પોતાના હિતોનું રક્ષણ કેવી રીતે કરવું તેના પર ધ્યાન આપે તે વધુ મહત્ત્વનું છે.આ ઉથલપાથલનો સમય છે. સમય વીતવાની સાથે સ્પષ્ટ થશે કે આ સંઘર્ષ કેટલો લાંબો ચાલે છે. જો તે લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારત પર આર્થિક અને રાજકીય અસર ચોક્કસ પડશે. પરંતુ ભારતની પ્રતિક્રિયા અનિશ્ચિત છે. ભારત આ હુમલાની ટીકા નહીં કરે તો બ્રિક્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

છેલ્લે,

1970ના દાયકામાં જ્યારે દુનિયાભરમાં ઓઈલ સંકટ આવ્યું હતું ત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થાઓને સ્થિર કરવા માટે શક્તિશાળી દેશોએ એકજૂટ થવાનો નિર્ણય કર્યો. આમ બન્યું G-7 ગ્રુપ. આ ગ્રુપમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, યુકે અને અમેરિકા મેમ્બર દેશો છે. ભારત નથી. પણ છેલ્લા સાત વર્ષથી G-7 સમિટમાં ભારતને આમંત્રણ મળે છે. તેનો મતલબ એ છે કે વૈશ્વિક વાતચીત ભારત વગર અધૂરી માનવામાં આવે છે.

સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ.

સોમવારે ફરી મળીશું. નમસ્કાર

(રિસર્ચ : યશપાલ બક્ષી)

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments