ગુજરાતમાં કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. બંને બેઠકો પર આજે સવારથી જ મતદાન પ્રક્રીયા શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં અનેક સ્થાનો પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને વરસાદી માહોલ વચ્ચે પણ કડી અને વિસાવદરની બંને બેઠકો પર બપોરના 12 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું હોવાના અહેવાલ હતા. ત્યાં તાજેતરમાં કડી વિધાનસભાના એક બુથ પર બબાલનો મામલો સામે આવ્યો છે.
બે જૂથ વચ્ચેની બબાલનો મામલો થાળે પડ્યો
વિધાનસભા પેટા ચૂંટણીમાં કડીમાં શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળાના બુથ પર સામાન્ય બાબતે બબાલ થયાની ઘટના સામે આવી છે. શાળાના બુથ ઉપર બુથ પર મતદાન પ્રક્રિયા દરમિયાન બે જૂથ સામસામે આવતા મામલો ગરમાયો. શાંતબેન શાળાના બુથ પર બે જૂથ વચ્ચેની સામાન્ય બબાલ એટલી બધી વધી ગઈ કે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારવો પડ્યો. ઉચ્ચ પોલીસ અધિકારીની દરમિયાનગીરી બાદ હાલમાં બે જૂથ વચ્ચેની બબાલનો મામલો થાળે પડ્યો છે.
મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
જો કે આ ઘટના બાદ શાંતાબેન શાળાના બુથ ઉપરાંત અન્ય તમામ મતદાન મથકો પર પોલીસનો સઘન બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સાંજના સાત વાગ્યા સુધીમાં મતદાન કરવામાં આવશે. ત્યાં સુધી તમામ મતદાન મથકો પર પોલીસ ખડેપગે તૈનાત રહેશે. જણાવી દઈએ કે આજે દેશમાં 4 રાજ્યોની 5 બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી થઈ રહી છે. ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક સહિત પંજાબ, પશ્ચિમ બંગાળ, અને કેરલની બેઠકો પર સવારથી પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. 23 જૂનના રોજ પેટાચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.
વેબકાસ્ટિંગ હેઠળ મોનિટરિંગ
જણાવી દઈએ કે આજે રાજ્યમાં કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણીને લઈને સવારથી જ મતદાન થઈ રહ્યું છે. કડીમાં પેટાચૂંટણીમાં થતા મતદાનને લઈને તંત્ર સુસજ્જ હોવાનું સામે આવ્યું છે. કડીમાં મતદાન પ્રક્રિયા પર વેબકાસ્ટિંગથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વિધાનસભા પેટા ચૂંટણીમાં કડીમાં 294 બુથ પર મતદાન થઈ રહ્યું છે. વિધાનસભા ક્ષેત્રના તમામ 294 મતદાન મથકો ખાતે વેબકાસ્ટિંગ હેઠળ ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે.


