Last Updated:
GPSC Recruitment: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026-27 માટે વિવિધ વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાતમાં સરકારી નોકરી કરવા માગતા ઉમેદવારો માટે આ એક સારી તક સાબિત થઈ શકે છે.

GPSC Recruitment: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026-27 માટે વિવિધ વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત એન્જિનિયરિંગ, પશુચિકિત્સા, વહીવટી સેવા અને હિસાબી ક્ષેત્રે કુલ પાંચ અલગ-અલગ જાહેરાતો દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા એવા ઉમેદવારો માટે ખૂબ ખાસ છે, જેઓ લાંબા સમયથી ગુજરાતમાં સારી સરકારી ભરતી બહાર પડવાની રાહ જોઈ રહ્યા હતા.
આ ભરતી દ્વારા કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-1ની કુલ 15 જગ્યાઓ, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-2ની 50થી વધુ જગ્યાઓ, પશુચિકિત્સા અધિકારી, વર્ગ-2ની 18 જગ્યાઓ, મદદનીશ વન સંરક્ષક (ACF) અને પરિક્ષેત્ર વન અધિકારી (RFO), વર્ગ-2ના પદો માટે કુલ 27 જગ્યાઓ, હિસાબી અધિકારી, વર્ગ-1ની કુલ 7 જગ્યાઓ, ગુજરાત વહીવટી સેવા (GAS) અને મુખ્ય અધિકારી સહિત વિવિધ પદો માટેની ખાલી જગ્યાઓ પર લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.
ભરતીનું સત્તાવાર નોટિફિકેશન
આ ભરતી કાર્યક્રમ માટે ઉમેદવારોએ કાર્યપાલક ઈજનેર (સિવિલ), નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), પશુચિકિત્સા અધિકારી, મદદનીશ વન સંરક્ષક (ACF) અને પરિક્ષેત્ર વન અધિકારી (RFO), હિસાબી અધિકારી જેવા પદો માટે તારીખ 1 એપ્રિલ 2026 (બપોરે 1 વાગ્યા)થી 15 એપ્રિલ 2026 (રાત્રે 11:59 વાગ્યા) સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
બીજી બાજુ, ગુજરાત વહીવટી સેવા (GAS) અને મુખ્ય અધિકારી સહિતના પદો માટે 2 એપ્રિલ 2026 (બપોરે 1 વાગ્યા)થી 16 એપ્રિલ 2026 (રાત્રે 11:59 વાગ્યા) સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો લાયકાતની વાત કરીએ તો, દરેક પદ માટે વિવિધ લાયકાતની જરૂર છે. તેથી અરજી કરતા પહેલા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ gpsc-ojas.gujarat.gov.in પર વિગતવાર માહિતી જોઈ લેવાની સલાહ આપવામાં આવે છે.
ઉમેદવારોએ આયોગની સત્તાવાર વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો અરજીમાં કોઈ ભૂલ થઈ જાય તો અરજી કરવાની છેલ્લી તારીખ સુધી અરજીમાં સુધારા કરી શકાશે, જે માટે નવી અરજી કરવાની જરૂર નથી. અરજી કરતી વખતે પોતાનો લેટેસ્ટ ફોટો અને સહી અપલોડ કરવી ફરજિયાત છે. બિન-અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી ઓનલાઇન અથવા પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા ભરવાની રહેશે. આ ઉપરાંત વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.
ગુજરાતમાં સરકારી નોકરીઓનો ધમધમાટ! GPSC દ્વારા વિવિધ વિભાગમાં ભરતીની જાહેરાત, અહીં જાણો દરેક વિગત



